About
Picture

Bharat Vinzuda [ભરત ખેતાભાઈ વિંઝુડા]

Name:
Bharat Vinzuda [ભરત ખેતાભાઈ વિંઝુડા]
Email:
bharat_vinzuda@rediffmail.com
Address:
" રામકૃપા ", ખાદી કાર્યાલય પાસે, સાવરકુંડલા, જિ. અમરેલી.
Surendranagar, Gujarat, India
Contact No:
094264 56934
Birth Date:
12-03-1980
I am:
Poets

Picture

ભરતભાઈ વિંઝુડા

રહેવાસી સાવરકુંડલાના, જેઓ આર્ટસ અને કોમર્સ ક્ષેત્રે  અભ્યાસી કારકિર્દી ધરાવે છે, તેઓ સાહિત્ય જગતના અનુભવી કવિઓની હરોળમાં સ્થાન ધરાવે છે. તેઓની કવિતાઓ સરળ ભાષામાં ઉચ્ચતમ ભાથું પીરસીને સાહિત્ય જગતમાં એક અલગ જ ઉદાહરણ અંકિત કરે છે.

ભરત વિંઝુડાનો ગઝલ ક્ષેત્રે જુદો તરી આવતો વિરલ અને મૌલિક અવાજ છે. ચીલાચાલુ ગઝલમાંથી બહાર નિકળવાનો એમના શબ્દોનો પુરુષાર્થ મહત્વનો છે.

Books
Verse [POETRY]

બેઠી છે

ભીતરે    ભીતરે  જ બેઠી છે
વાત મનના સ્તરે જ બેઠી છે !
 
નીકળ્યો છું હું કોઈ રસ્તા લગ
ને  તું  તારા  ઘરે જ બેઠી છે !
 
એને  સંગીતથી  મઢી છે ક્યાં
ધૂન  કેવળ  સ્વરે  જ બેઠી છે !
 
તું  જ આવે તો એને શણગારે
રાત   ભરનીંદરે  જ બેઠી છે !
 
ટૂંકા  વિસ્તારમાં  ઊડે ચકલી
ને   બીજી  પીંજરે જ બેઠી છે !
 
અહીંથી આગળ જવાય એમ નથી
જેમ   સ્ત્રી   સાસરે   જ બેઠી છે !

આસપાસ છે

જીવું  તો  જીવવાની કળા આસપાસ છે
જો શ્વાસ લઈ શકું તો હવા આસપાસ છે !

વ્યક્તિત્વ તારું ફૂલ ને એની સુંગંધ જેમ
છે   દૂર  દૂર  તેમ   છતાં  આસપાસ છે !

એકલતા જેવું હોતું નથી ક્યાંય પણ અહીં
ઘરમાં જ  છું  ને ચાર ખૂણા આસપાસ છે !

નજદીક  જાવ  તો  જ  બધા  દૂર દૂર હો
ને  દૂરથી  જુઓ  તો  બધા આસપાસ છે !

એવી   દુઆ  કરું   હું   જઈને  નમાઝમાં
લાગે   અહીં  બધાને  ખુદા  આસપાસ છે !

ખુદા તો નથી ?

કોઇ કમબખ્ત આતમા તો નથી ?
પ્રેત રૂપે અહીં હવા તો નથી ?

આ તરફ એકલો જ ઊભો છું
યાને પેલી તરફ બધા તો નથી ?

કોઇની આવ જા ન દેખાતી
ભીંત જેવાં જ બારણાં તો નથી ?

નીકળે છે પહેરી મહોરાઓ
તે ચહેરાઓ આપણાં તો નથી ?

રણમાં એક વીરડી મળે એમ જ
જળમાં થોડાક ઝાંઝવા તો નથી ?

કેમ દુ:ખમાં જ યાદ આવે છે
મિત્ર, તું પણ કોઇ ખુદા તો નથી ?

સુંદર હોય છે

બહાર જેવી હોય છે એવી જ ભીતર હોય છે,
તું  જ કહી દે,  હું  જે ધારું તે ખરેખર હોય છે ?

માત્ર  દર્પણ  જાણે  છે તું ખૂબ સુંદર હોય છે,
બાજુમાં જો,  કેવું  તારું  મેલું બિસ્તર હોય છે !

તારું જુદું બારણું ને મારી બારી પણ અલગ,
એક  ઘરમાં  એવી રીતે આમ બે ઘર હોય છે !

હું અને તું  રાતે  સાથે આથમી જઇએ છીએ,
પ્રેમનો કિસ્સો બીજા દિવસે નવેસર હોય છે !

હોય છે તો હોય છે  શું કામ, મારો પ્રશ્ન છે,
આપણી વચ્ચે હંમેશાં થોડું અંતર હોય છે !

Awards